મોહનથાળ વગર તો ગુજરાતીઓની દિવાળી અધૂરી, બનાવો આ સરળ રેસિપિથી

0
1035

રેસિપિ ડેસ્ક: મોહનથાળ વગર તો ગુજરાતીઓની દિવાળી અધૂરી ગણાય. જોકે આજકાલ બધાંથી પરફેક્ટ મોહનથાળ નથી બનતો. કોઇવાર કટક થઈ જાય તો કોઇવાર કોરો પડી જાય તો વળી કોઇવાર ઘી વધારે પડી જાય. એટલે લોકો બજારમાંથી તૈયાર લાવતા હોય છે. જોકે બજારમાંથી લાવેલા મોહનથાળમાં ઘી કેવું વપરાયું હશે એ શંકા હંમેશાં રહે. એટલે જ આજે અમે બજાર જેવો જ કણીદાર ને ખૂબજ ટેસ્ટી મોહનથાળ બનાવવાની સરળ રેસિપિ લાવ્યા છીએ અમે.

સામગ્રી

બે કપ બેસન
એક કપ ખાંડ
એક કપ ઘી
ત્રણ ટેબલપૂન ઘી
ચાર ટેબલસ્પૂન દૂધ
અડધી ચમચી ઈલાયચી પાવડર
પા ચમચી રોઝ વૉટર
10-12 તાર કેસર (ગરમ પાણીમાં પલાળી રાખવું)
એક ટેબલસ્પૂન પિસ્તાની કતરણ
એક ટેબલસ્પૂન બદામની કતરણ

રીત

સૌપ્રથમ બેસનમાં ત્રણ ટેબલસ્પૂન ઘી અને ચાર ટેબલસ્પૂન નવશેકુ દૂધ એડ કરો. બધું જ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ઢાંકીને 15-20 મિનિટ માટે સેટ થવા મૂકી દો.20 મિનિટ બાદ બેસનને થોડો મસળીને ચારણીથી ચાળી લો અને ગોટલીઓ ભાગી દો. ત્યારબાદ બેસનને એક બાજુ મૂકી દો. ત્યારબાદ કઢાઇમાં એક કપ ઘી લો અને હાઇ ફ્લેમ પર ઘી ગરમ કરો. ઘી ગરમ થઈ જાય એટલે અંદર બેસન નાખો. ગેસની ફ્લેમ મિડિયમ કરી સતત સ્ટર કરતા જાઓ. 5-6 મિનિટમાં બેસન શેકાઇ જશે. લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થાય અને સરસ સુંગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો અને 15 મિનિટ ઠરવા દો. આ દરમિયાન ચાસણી બનાવી લો. એક પેનમાં એક કપ પાણી અને એક કપ ખાંડ લો. પહેલાં હાઇ ફ્લેમ પર ખાંડ ઓગાળવી. પાણી ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ મિડિયમ કરી દો. ખાંડમાં કચરો લાગે તો આ સમયે અંદર બે સમચી દૂધ નાખો જેથી કચરો ઉપર આવી જશે. ત્યારબાદ કચરો ચમચીથી કાઢી લો. ત્યારબાદ સતત હલાવતા રહો 7-8 મિનિટ સુધી. ચાસણી 2 તારી બનવી જોઇએ. ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરો અંદર રોઝ વૉટર, કેસર અને ઈલાયચી પાવડર નાખો અને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લો.હવે બેસનમાં ચાસણી એડ કરો અને બરાબર મિક્સ કરી લો. તેને ચમચાથી સતત હલાવતા રહેવું થોડીવાર. મિશ્રણ જેમ-જેમ થોડું ઠંડુ થાશે તેમ-તેમ જાડું થવા લાગશે. મિશ્રણ જાડુ થવા લાગે એટલે ગ્રીસ કરેલ પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ ઉપરથી લેયર કરી ઉપર બદામ અને પિસ્તા ભભરાવી થોડું દબાવી દો. ત્યારબાદ અડધા કલાક માટે સેટ થવા મૂકી દો. પંખા નીચે પણ સેટ થવા મૂકી શકાય છે.- મોહનથાળ જામવા માટે ફ્રિજમાં ન મૂકો. મોહનથાળ ફ્રિજ વગર પણ 8-10 દિવસ સુધી નહીં બગડે.