54.61 લાખ મત આવ્યા ક્યાંથી? 24.66 લાખ મત ગ્યાં ક્યાં ?

0
318

વડોદરા: ભારતીય ચૂંટણીપંચની નિષ્પક્ષતા, પારદર્શિતા ઉપરાંત કાર્યક્ષમતા સમગ્ર વિશ્વ માટે દાખલારૂપ બની રહી છે પણ આ વખતની લોકસભા ચૂંટણી પછી તેના દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં ઉડીને આંખે વળગે તેવી ઘોર વિસંગતતાઓ સામે આવી રહી છે. જે તેની પ્રતિષ્ઠાને છાજે તેવી તો નથી ઉલટા બટ્ટો લગાવે તેવી છે. પારદર્શક ચૂંટણીના દાવા કરતું ચૂંટણીપંચ દેશની જનતાનો વિશ્વાસ અકબંધ રાખવા માટે આનો ખુલાસો કરે તે જરૂરી બની જાય છે. લોકસભાનાં સાતેય તબક્કાનાં મતદાન અને મતગણનાનાં આંકડાઓને સરખાવીએ તો તેમાં કુલ મળીને 80 લાખ મતનો કોઈ મેળ કે હિસાબ મળતો નથી ! નાગરિકોનો મત કિંમતી અને પવિત્ર મનાય છે પણ આ વખતે ચૂંટણીનાં જે આંકડાઓ અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવ્યા છે તેમાં તેનાં મૂલ્ય અને પાવિત્રતા બન્નેની અધોગતિ દેખાય છે. આ ચોંકાવનારા આંકડાઓ કહે છે કે, દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ મળીને 60,79,87,823 (60.79 કરોડ) લોકોએ મતાધિકાર ભોગવ્યો હતો. તેની સામે જે મત ગણવામાં આવ્યા છે તેનો આંકડો 61,09,83,020 (61.09 કરોડ) મત જેટલો થાય છે. આ બન્ને આંકડા વચ્ચે’ 29,9પ,197 મતોનો એટલે કે (29.9પ લાખ) મત જેટલો થાય. એટલે સ્વાભાવિક છે કે પહેલી નજરે એવો સવાલ થવાનો કે જો આંકડો જ 29 લાખ મતનો ફર્ક બતાવતો હોય તો 80 લાખ મતોનો કોઈ તાગ મળતો નથી એવું કેવી રીતે કહી શકાય ? તેનું કારણ છે 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાનના આંકડા કરતાં ગણનામાં લેવાયેલા આંકડાઓ વધુ છે. આ 31 રાજ્યોના મતદાનના આંકડા સામે ગણનામાં લેવામાં આવેલા મતનો આંકડો પ4,61,673 (પ4.61 લાખ) મત જેટલો વધુ છે. તેની સામે પાંચ રાજ્ય અને કેન્દ્રીય પ્રદેશમાં મતદાન સામે ગણનામાં લેવામાં આવેલા મત 24,66,476 (24.66 લાખ) જેટલા ઓછા ગણાયા છે ! આ બન્ને આંકડાનો તફાવત કુલ મતદાન અને મતગણનાનાં આંકડાના તફાવત બરાબર એટલે કે 29.9પ લાખ જેટલો થાય છે. વધુ ગણાયેલા અને નહીં ગણાયેલા બન્ને મતોના આંકડાને ધ્યાને લેવામાં આવે તો કુલ 79.27 લાખ મતનો હિસાબ મળી રહ્યો નથી. આંકડાઓમાં આ તફાવતના ગંભીર મામલે ચૂંટણીપંચ સ્પષ્ટતા કરે તે અનિવાર્ય બની જાય છે.

મતદાન અને ગણનાના આંકડાઓમાં ત્રણ રાજ્યમાં 10 લાખથી 27 લાખ મતનો તફાવત જોવા મળે છે. જેમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 27.94 લાખ મતો મતદાન કરતાં અધિક ગણાયેલા છે. તો પંજાબ અને તેલંગણમાં આશરે 10-10 લાખ જેટલા મત ઓછા ગણયેલા છે. કુલ મળીને 9 રાજ્યોમાં મતદાન અને ગણતરી વચ્ચેનો તફાવત 1 લાખથી 8 લાખની વચ્ચેનો છે. સૌથી ઓછો તફાવત દાદરા નગર હવેલીનો માત્ર 2 મતનો છે. આદર્શ સ્થિતિ તો કહે છે કે એકપણ મતનો હિસાબ ન મળે તેવું બનવું જોઈએ નહીં ત્યારે શરમજનક બાબત તો એ છે કે દેશનાં એકેય રાજ્યમાં તમામ મતનો તાળો મળી ગયો હોય, શૂન્ય રહ્યો હોય તેવું દેખાતું નથી.

ચૂંટણીપંચ દ્વારા પોતાની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવેલા મતદાનના આંકડા અને ચૂંટણી પરિણામો સાથે કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી કે આ બન્ને આંકડાઓમાં પોસ્ટલ બેલેટના આંકડાઓનો સમાવેશ થાય છે કે નહીં પરંતુ ચૂંટણીપંચ દ્વારા કુલ મતદારોના જે આંકડાઓ પ્રકાશિત કરવામાં આવ્યા હતા તેમાં જાણવા મળે છે કે દેશમાં કુલ સર્વિસ ઇલેક્ટર્સ 16.62 લાખ જેટલા છે. જો આ તમામે તમામ પોસ્ટલ બેલેટ કદાચ મતદાન કે મતગણતરી પૈકી કોઈ એકમાં ધ્યાને લેવામાં આવ્યા ન હોય તો પણ મતોનું ગાબડું લાખોમાં જ રહે છે. એટલે કે એક મતનો હિસાબ ન મળે કે એક લાખ મતનો હિસાબ ન મળે તેની ગંભીરતમાં જરાય ઘટાડો થઈ જતો નથી. વળી દાદરા નગર હવેલી લોકસભા બેઠકનાં મતદાન અને ગણતરીનાં આંકડામાં ફક્ત 2 મતનો તફાવત દેખાય છે. જે એવું પણ દેખાડે છે કે આ બન્ને આંકડામાં કાં તો પોસ્ટલ બેલેટ સામેલ છે અથવા તો સામેલ નથી.