કાલે બીજી ટેસ્ટ/ અશ્વિન અને રોહિત ઇજાના કારણે બહાર

0
2354

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની સિરીઝની બીજી ટેસ્ટ શુક્રવારથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. ભારતે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 31 રને હરાવ્યું હતું. જો ભારત આ મેચ જીતી લે છે તો પ્રથમ વખત સિરીઝમાં શરૂઆતના 2 મુકાબલા જીતી જશે.બન્ને દેશ વચ્ચે 71 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારતે અત્યાર સુધી કુલ છ મેચ જીતી છે.

અશ્વિન અને રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયા છે. ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચ માટે 13 ખેલાડીના નામની જાહેરાત કરી છે જેમાં ભૂવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવનું નામ સામેલ છે.અશ્વિને પેટના તાણની ફરિયાદ કરી છે જયારે રોહિત પ્રથમ ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો.ભારત સતત 2 ટેસ્ટ માત્ર એક જ વખત જીત્યુ છે. બિશન સિંહ બેદીની કેપ્ટન્સીમાં 1977-78 સિરીઝમાં તેને મેલબોર્ન અને સિડની ટેસ્ટમાં જીત મળી હતી. જોકે, મેલબોર્ન ટેસ્ટ સિરીઝની ત્રીજી અને સિડની ટેસ્ટ ચોથી મેચ હતી. વિરાટ કોહલી પોતાની કેપ્ટન્સીમાં સિરીઝની શરૂઆતની 2 ટેસ્ટ જીતી નવો રેકોર્ડ બનાવી શકે છે.

ઓપ્ટસ સ્ટેડિયમ વિશ્વનું 117મું ટેસ્ટ મેદાન હશે, સાથે જ આ ઓસ્ટ્રેલિયાનું નવમુ ટેસ્ટ સ્ટેડિયમ હશે. પર્થમાં એક સ્ટેડિયમ વાકા પણ છે, જ્યાં અત્યાર સુધી 44 ટેસ્ટ રમાઇ ચુકી છે. હવે અહી કોઇ પણ મેચ નહી રમાય, વાકામાં ભારતે ચાર ટેસ્ટ રમી હતી જેમાંથી ત્રણમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. એક માત્ર જીત 2008માં મળી હતી.વાકા ગ્રાઉન્ડની પિચ હંમેશા ફાસ્ટ બોલરોને મદદ માટે જાણીતી હતી, આ રીતે અનુમાન ઓપ્ટસ સ્ટેડિયમ માટે પણ લગાવવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેન્ગરે પણ દાવો કર્યો હતો કે પિચથી ફાસ્ટ બોલરોને મદદ મળશે. ઓપ્ટસના ક્યૂરેટર બ્રેટ સિપથોર્પે પણ કહ્યું કે પિચ પર ઘાસ વધુ હશે.

સિપથોર્પ અનુસાર, ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. મેચ ભાગ્યે જ પાંચ દિવસ સુધી પહોચી શકશે. અત્યાર સુધી અહી એક જ ફર્સ્ટ ક્લાસ મેચ રમાઇ છે, જેમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રિચર્ડસને 47 રન આપીને 8 વિકેટ પોતાના નામે કરી હતી. જેનાથી અનુમાન લગાવી શકાય છે કે ફાસ્ટ બોલર શાનદાર પ્રદર્શન કરશે.ભારતીય ટીમ આ મેચમાં વધુ બદલાવ કરવા નહી માંગે. પૃથ્વી શૉ હજુ પણ ફિટ થયો નથી. છઠ્ઠા નંબર પર રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીનો સમાવેશ થઇ શકે છે. જ્યારે અશ્વિનની જગ્યાએ ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારનો સમાવેશ થઇ શકે છે. અશ્વિન, રોહિત શર્મા અને પૃથ્વી શૉ ઇજાગ્રસ્ત છે.