ભોજનનો અનોખો સ્વાદ લેવા માટે ઘરે બનાવો તવા ખિચડી…

0
1172

આવી ગરમીમાં થાકીને ઘરે આવ્યા બાદ બપોરના ભોજન નો આનંદ જ કઇંક અલગ હોય છે તેમાં પણ ઘરે સારું સારું જમવાનું બન્યું હોય તો પછી જમવાની જમાવટ જ કઇંક અલગ હોય છે. આવામાં ઘરે તવા ખિચડી બનાવી હોય તો પછી વાત જ અલગ છે. તો ઘરે આજે જ બનાવો આ રીતે તવા ખિચડી.

સામગ્રી 

4 વાટકી ચોખા

3 ગાજર

2 વાટકી તુવેરદાળ

2 કપ લીલા વટાણા

2 કપ ફણસી

૧ નાનું ફ્લાવર

4 ડુંગળી

2 શિમલા મરચું

3 બટાટા

5 મોટા ચમચા ઘી

૩ થી ૪ તજ અને લવિંગ

10 થી 12 લસણની કળી (સ્વાદ અનુસાર)

4 તમાલપત્ર, શિંગદાણા

રાઈ, જીરું, હળદર, હિંગ, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું

કોથમીર

બનાવવાની રીત :

સૌપ્રથમ દાળ-ચોખા ધોઈને એમાં હળદર અને મીઠું નાખીને કુકરમાં સાદી ખીચડી બનાવવી (થોડી ઢીલી બનાવવી જેથી શાક સાથે સારી રીતે મિક્સ કરી શકાય).

ગાજર, ફણસી, બટાટા અને ફ્લાવરને સુધારીને મીઠું નાખીને ખુલ્લાં ઉકાળી લેવાં (ફ્લાવરનાં ફૂલ નાનાં અને આખાં લેવાં જેથી ભાંગી ન જાય).

એક મોટી કડાઈમાં ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે રાઈનો વઘાર કરવો.

પછી એમાં જીરું, તજ, લવિંગ, તમાલપત્ર, કાપેલું લસણ અને શિંગદાણા નાખી ધીમા તાપે સાંતળવું.

ત્યારબાદ શિંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, શિમલા મરચું અને ડુંગળી નાખીને ફરી સાંતળવું.

બરાબર સંતળાઈ જાય એ પછી બાફેલાં શાક નાખીને સારી રીતે મિક્સ કરી લેવાં

હવે ગૅસ પર એક તવો ગરમ થવા મૂકો.

આ તાવમાં એક ચમચી ઘી ગરમ કરીને તૈયાર ખીચડી અને મસાલેદાર શાક મિક્સ કરો.

તવા પર તવા ખીચડી શેકાઈ જાય એટલે કોથમીરથી સજાવીને પીરસો. હવે ભોજનમાં એક નવોજ ટેસ્ટ આપશે આ તવા ખિચડી….