ભારત-વિન્ડીઝ T20 સિરીઝમાં તૂટી શકે છે આ 5 રેકોર્ડ, ભારતીય ક્રિકેટર્સ પાસે તક

0
999

સ્પોર્ટ્સ ડેસ્ક: ટેસ્ટ અને વન ડે સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર જીત બાદ ભારતીય ટીમની નજર હવે ટી-20 સિરીઝ જીતવા પર છે.4 નવેમ્બરે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડનમાં પ્રથમ ટી-20 મેચ રમાશે. ભારતના રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલીને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં હશે. ભારતીય ટીમ કોહલી-ધોની વગર ટી-20 સિરીઝ રમશે. વેસ્ટ ઇન્ડીઝની કમાન કાર્લોસ બ્રેથવેઇટના હાથમાં છે.ટી-20 ટીમમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારતીય ટીમને ટક્કર આપી શકે છે. કિરોન પોલાર્ડ અને આંદ્રે રસેલ સહિત કેટલાક ધુરંધર ખેલાડીઓની ટીમમાં વાપસીને કારણે વેસ્ટ ઇન્ડીઝની ટીમ મજબૂત બની છે. આગામી ટી-20 સિરીઝમાં કેટલાક રેકોર્ડ પણ દાંવ પર હશે જેના તૂટવાની આશા છે.ભારતીય ઓપનર શિખર ધવન ટી-20 ક્રિકેટમાં 1000 રનના આંકડાને પાર કરી શકે છે. ધવને 1 હજાર રન પુરા કરવા માટે માત્ર 23 રનની જરૂર છે. એવામાં આશા છે કે ધવન આગામી ટી-20 સિરીઝમાં આ આંકડો આસાનીથી પાર કરી લેશે. ધવનના અત્યારે 40 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં 977 રન છે.ટી-20ની વાત આવે છે ત્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ અહીં ભારત પર ભારે નજરે પડે છે. ભારત વિન્ડીઝ સામે આઠમાંથી માત્ર 2 મેચ જ જીતી શક્યુ છે જ્યારે 5 મેચ વિન્ડીઝ જીત્યુ છે જ્યારે એક મેચનું કોઇ પરિણામ આવ્યું નથી.

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ પોતાની 50 ટી-20 વિકેટ પુરા કરવાની નજીક પહોચી ગયો છે. બુમરાહે અત્યાર સુધી 35 ટી-20 મેચમાં 6.79ની એવરેજથી 43 વિકેટ ઝડપી છે. 50 વિકેટ માટે બુમરાહને માત્ર 7 વિકેટની જરૂર છે.

પોતાની લાંબી-લાંબી સિક્સરો માટે જાણીતો રોહિત શર્મા ટી-20માં પોતાની સિક્સરોની સદી પુરી કરવાની નજીક છે. રોહિત શર્મા ટી-20 કરિયર દરમિયાન 89 સિક્સર ફટકારી ચુક્યો છે અને તેને 100ના આંકડા માટે માત્ર 11 સિક્સરની જરૂર છે. માર્ટિન ગુપ્ટિલ અને ક્રિસ ગેલ જ ટી-20 મેચમાં 100થી વધુ સિક્સર ફટકારી શક્યા છે.

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા મામલે પાંચમા સ્થાન પર છે. રોહિતના નામે 84 મેચમાં 2086 રન છે. માત્ર 185 રન બનાવીને રોહિત પાસે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડવાની તક છે. રોહિત જો આ સિરીઝમાં 185 રન બનાવી લે છે તો તે વિશ્વનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.