વડોદરાના અપક્ષ ઉમેદવારે એક-એક રૂપિયાના 3 હજાર સિક્કા ડિપોઝિટ પેટે ભર્યા, ટેબલ પર સિક્કા મૂકતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા.

0
78

3 હજાર પરિવારના આશિર્વાદ : વડોદરાના અપક્ષ ઉમેદવારે એક-એક રૂપિયાના 3 હજાર સિક્કા ડિપોઝિટ પેટે ભર્યા, ટેબલ પર સિક્કા મૂકતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા.
ટીમ રિવોલ્યુશનના સભ્ય સ્વેજલ વ્યાસે વોર્ડ નં-8માંથી અપક્ષ ઉમેદવારી કરી
3 હજાર પરિવારના વડીલોના આશિર્વાદરૂપી 3 હજાર સિક્કાથી ડિપોઝિટ ભરી

વડોદરામાં ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસે આજે વોર્ડ નં-8માંથી અપક્ષ ઉમેદવારી નોધાવી હતી. તેઓ એક-એક રૂપિયાના 3 હજાર સિક્કા લઇને નર્મદા ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, 3 હજાર સિક્કા જોઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

3 હજાર પરિવારોએ ડિપોઝિટ ભરવા માટે એક-એક રૂપિયો આપ્યો
વડોદરા શહેરમાં ચાલતી ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસને વોર્ડ નં-8ના 3 હજાર પરિવારોએ એક-એક રૂપિયો આપ્યો હતો અને આમ 3 હજાર સિક્કા ભેગા કરીને સ્વેજલ વ્યાસ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે વડોદરાના નર્મદા ભવન ખાતે પહોંચ્યા હતા અને પોતાની ડિપોઝિટ પેટે 3 હજાર સિક્કા જમા કરાવ્યા હતા. સ્વેજલ વ્યાસે ત્રણ હજાર રૂપિયા રોકડા ટેબલ પર મૂકતા જ ત્યાં હાજર અધિકારીઓ સહિત લોકો અચંબામાં મૂકાઇ ગયા હતા.
વડીલોના આશિર્વાદરૂપી એક-એક રૂપિયાથી ડિપોઝિટ જમા ભરી તેનું ગર્વ છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારી સાથે મોટી મોટી ગાડીઓમાં કરોડપતિ ઉમેદવારો ફોર્મ ભરતા હતા, પરંતુ અમને ગર્વ એ વાતનો છે કે, અમે વિસ્તારના 3 હજાર પરિવારોના વડીલોના આશિર્વાદરૂપી એક-એક રૂપિયો લઇને અમે ડિપોઝિટ જમા કરાવી છે. અમે આવનાર સમયમાં વડોદરાના હિત માટે કામ કરીશું. મોટા મોટા પૈસાદાર લોકોને પાર્ટીને ટિકિટ આપે છે. પરંતુ તે જીત્યા પછી તે લોકો વચ્ચે જતા નથી, જેથી આજે અમે લોકો માટે અપક્ષ ઉમેદવારી કરી છે.