સરકારે ગુજરાતી ફિલ્મની સબસિડીની મર્યાદા 50 લાખથી વધારી 75 લાખ કરી

0
1909

ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા ઊંચી લાવવા માટે ગુજરાત સરકારે 2 ફેબ્રુઆરી, 2016ના રોજ ગુજરાતી ફિલ્મોને અપાતી સબસિડીની નવી પોલિસી બહાર પાડી હતી, જે મુજબ એ ગ્રેડ મેળવનાર ગુજરાતી ફિલ્મને સૌથી વધુ 50 લાખ રૂપિયા મળતા હતા, પણ હવે તેમાં A+ ગ્રેડ ઉમેર્યો છે અને A+ ગ્રેડ મેળવનાર ફિલ્મને સૌથી વધુ 75 લાખ રૂપિયા સબસિડી પેટે મળશે.જ્યારે મિનિમમ સબસિડીની રકમ પહેલાં પણ 5 લાખ હતી અને નવી પોલિસીમાં પણ 5 લાખ છે, પરંતુ પહેલાં 100માંથી ઓછામાં ઓછા 41 માર્ક્સ મેળવે તો 5 લાખ મળતા હતા, જેને બદલે હવે 21 માર્ક્સ મેળવશે તો પણ તે ફિલ્મ 5 લાખ મેળવવાને પાત્ર બની જશે. નવી પોલિસીમાં બીજો મહત્ત્વનો ફેરફાર એ કરાયો છે સાહિત્યકૃતિ પરથી જ કોઈ ફિલ્મ બનાવશે તો તે ફિલ્મને મળવાપાત્ર સબસિડીની રકમ કરતાં 25 ટકા રકમ વધુ મળશે.તેમજ ગુજરાત સરકાર તરફથી જાહેર થતી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક બંનેને 2.5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળશે. એક મહત્ત્વનો ફેરફાર ટિકિટવેચાણ પરથી મળતા માર્ક્સમાં પણ કરાયો છે. સબસિડી માટે 100 માર્ક્સમાંથી 20 માર્ક્સ ટિકિટ વેચાણ પરથી આપવામાં આવે છે. અગાઉ 2 લાખ ટિકિટ વેચાય તો 20 માર્ક્સ મળતા હતા, જે હવે 50 હજાર ટિકિટ વેચાશે તો 20 માર્ક્સ મળશે.2016માં જાહેર કરાયેલી ગુજરાતી ફિલ્મની નવી પોલિસીમાં એ ગ્રેડ મેળવનાર ફિલ્મને 50 લાખ સરકાર તરફથી સબસિડી પેટે આપવામાં આવતા હતા. બી ગ્રેડ મેળવનાર ફિલ્મને 25 લાખ, સી ગ્રેડ મેળવનારને 10 લાખ અને ડી ગ્રેડમાં આવતી ફિલ્મને 5 લાખ આપવામાં આવતા હતા. જ્યારે હવે એ પ્લસ ગ્રેડ માટે 75 લાખ, એ ગ્રેડ 50 લાખ, બી ગ્રેડ 40 લાખ, સી ગ્રેડ 30 લાખ, ડી ગ્રેડ 20 લાખ, ઈ ગ્રેડ 10 લાખ અને એફ ગ્રેડની ફિલ્મને 5 લાખ સબસિડી આપવામાં આવશે.હાલ સબસિડીની પોલિસીમાં એક મહત્ત્વનો ફેેરફાર ટિકિટના વેચાણ પરથી મળતા માર્ક્સ અંગે કરવામાં આવ્યો છે. અગાઉ 100માંથી 20 માર્ક્સ ટિકિટ વેચાણમાંથી મેળવવાના રહેતા હતા, જે હજુ પણ એ જ છે એટલે કે 20 માર્ક્સ ટિકિટ વેચાણના તો છે જ, પણ પહેલાંં 10 હજાર ટિકિટે એક માર્ક્સ ગણવામાંં આવતો હતો એટલે કે કુલ 2 લાખ ટિકિટ વેચાય તો 20 માર્ક્સ મળતા હતા, જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 2,500 ટિકિટના વેચાણ પર 1 માર્ક્સ ગણવામાં આવશે. આમ હવે 50 હજાર ટિકિટ વેચાશે તો પણ 20 માર્ક્સ મળી જશે.2016માં પોલિસી જાહેર કરી ત્યારે મહિલા સશક્તિકરણની ફિલ્મ કે બાળફિલ્મને 25 ટકા સબસિડી વધુ આપવામાં આવતી હતી, જેમાં ગુજરાતી સાહિત્ય પરથી બનતી ફિલ્મના વિભાગનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ નિર્માતા ગુજરાતી સાહિત્ય પરથી ફિલ્મ બનાવશે અને માનો કે તેમની ફિલ્મ એ ગ્રેડ મેળવવામાં સફળ થઈ તો તેમને એ ગ્રેડ મુજબ 50 લાખ સબસિડી તો મળશે જ, પરંતુ વધારાના 25 ટકા લેખે 12.5 લાખ રૂપિયા બીજા પણ મળશે. ગુજરાતી સાહિત્યકૃતિ પરથી વધુ ફિલ્મો બને તે આશયથી આ ફેરફાર કરવામાં આવ્યો છે.