શાહરુખની નવી ફિલ્મ Zero પાંચ વર્ષ પહેલાંની આર્જેન્ટિનિયન ફિલ્મની કૉપી છે?

0
665

ફાઈનલી, 2 નવેમ્બરે એટલે કે શાહરુખ ખાનના જન્મદિવસે એની આગામી ફિલ્મ ‘Zero’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું. છેલ્લા ઘણા મહિનાઓથી, જ્યારથી આ ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મના ટ્રેલરની અને ખુદ ફિલ્મની કાગડોળે રાહ જોવાઈ રહી હતી. એનાં ઘણાં કારણો હતાં.

એક તો શાહરુખ ખાનની નવી ફિલ્મ હતી. ઉપરાછાપરી નિષ્ફળતાઓને પગલે શાહરુખ ખાન હવે બીબાંઢાળ ફિલ્મોને બદલે કંઈક અલગ સ્ટોરી ધરાવતી ફિલ્મો પસંદ કરવા પર ભાર મૂકી રહ્યો છે. આવો મૅજર એક્સપરિમેન્ટ છેલ્લે એણે ‘ફૅન’ વખતે કરેલો. પરંતુ ફૅનને શાહરુખના ફૅન્સે જોઈએ એવી આવકારી નહીં. એ પછી ગૌરી શિંદેની ‘ડિયર ઝિંદગી’ પણ ખાસ્સી ઑફબીટ અને સાવ ટૉકેટિવ ફિલ્મ હોવાને નાતે ખાસ ચાલી નહીં. એટલે શાહરુખે ‘રઈસ’ અને ‘જબ હેરી મેટ સેજલ’ જેવી હાડોહાડ કમર્શિયલ મુવીઝ કરી, જેમાં ‘રઈસ’ પ્રમાણમાં ચાલી ગઈ, પરંતુ ‘જબ હેરી મેટ સેજલ’ તો ઈમ્તિયાઝ અલીની ફિલ્મ હોવા છતાં બૉક્સઑફિસ પર ટંકશાળ પાડી શકી નહીં. એટલે ‘ઝીરો’ પાસેથી નૅચરલી સૌની અને ખુદ શાહરુખની પણ અપેક્ષાઓ વધારે હોય તે સ્વાભાવિક છે.

બીજું મોટું કારણ એ છે કે આ ફિલ્મમાં શાહરુખ ખાન ‘બવ્વા સિંઘ’ નામના સાડા ત્રણ-ચાર ફૂટના ઠિંગુજીનો રોલ કરી રહ્યો છે. છેલ્લે વામન બનવાનો આવો એક્સપરિમેન્ટ સુપરસ્ટાર કમલ હાસને 1989ની પોતાની ફિલ્મ ‘અપ્પુ રાજા’માં કરેલો. એ પછી વામન કેરેક્ટરને નોંધપાત્ર ભૂમિકામાં ચમકાવતી બીજી ફિલ્મ હતી શિરિષ કુંદેરે ડિરેક્ટ કરેલી ‘જાન-એ-મન’, જેમાં અનુપમ ખેરે ઠિંગુજીની ભૂમિકા ભજવેલી. હવે શાહરુખ જેવો સુપરસ્ટાર આવી ભૂમિકામાં પેશ થાય ત્યારે દેશભરમાં કુતૂહલ સર્જાવું સ્વાભાવિક છે.

અને ત્રીજું સૌથી મોટું કારણ એ છે કે આ ફિલ્મના ડિરેક્ટર છે આનંદ એલ. રાય. આનંદ અગાઉ ‘તનુ વેડ્સ મનુ’ના બંને ભાગ અને ‘રાંઝણા’ જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. ‘ઝીરો’ના રાઈટર તરીકે આનંદના સાથીદાર હિમાંશુ શર્મા છે, જેમની ધમાકેદાર ડાયલોગ્સ લખવાની હથોટી છે.