ઉચ્ચ જ્ઞાતિના વિદ્યાર્થીઑ માટે શિક્ષણ અને રોજગારી માટેની યોજના

0
771

ગુજરાત રાજ્યમાં એસ.સી.,એસ.ટીને અને બક્ષીપંચની જાતિઓ માટે અનામત નીતિ અમલમાં છે અને તે અનુલક્ષીને લગભગ ૪૯ ટકા બેઠક અનામતમાં આવે છે. બિન અનામત વર્ગની જ્ઞાતિઓ તરફથી રાજ્ય સરકાર સમક્ષ એવી વ્યાપક રજૂઆતો આવી છે કે, આવી જ્ઞાતિઓના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સમાન તકો પ્રાપ્ત કરાવવામાં આવે જેથી રાજયનો સર્વાંગી વિકાસ થાય અને દરેક જ્ઞાતિ-જાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરવામાં રાજ્ય સરકાર મદદરૂપ થઇ શકે.

રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ માટે અને સરકારી નોકરીઓની ભરતી શરતોમાં જરૂરી સુધારા કરવા માટે ‘મુખ્યમંત્રી યુવા સ્વાયવલંબન યોજના જાહેર કરી છે. આ યોજના વર્ષ ર૦૧૫ના શૈક્ષણિક વર્ષથી અમલમાં આવે તે રીતે શરૂ કરવાનું અને તેના લાભ યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને કોઇપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ સિવાય ફકત મેરીટના આધારે આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં મેડીકલ શિક્ષણ માટે એમ.બી.બી.એસ.માં તથા ડેન્ટલ કોલેજમાં પ્રવેશ મેળવી અભ્યાસ કરતા અને રૂા. ૪.પ૦ લાખ કરતાં ઓછી કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧રમાં બોર્ડની પરીક્ષામાં ૯૦ પર્સેન્ટાઇલ એટલે કે પ્રથમ ૧૦ ટકામાં આવતા તમામ વિદ્યાર્થીઓ માટે કોર્સની અવધિ દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તથા ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી

GMERS કોલેજમાં ફીની પ૦ ટકા સહાય રૂ. ર લાખની મર્યાદામાં દર વર્ષે આપવામાં આવશે. આમ, પાંચ વર્ષના મેડીકલ કોલેજના અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીને રાજ્ય સરકાર તરફથી રૂ. ૧૦ લાખ સુધીની ફી સહાય આપવામાં આવશે.

પ્રોફેશનલ કોર્સિસ જેવા કે, એન્જીનીયરીંગ, ફાર્મસી, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી વગેરેના અભ્યાસ માટે પણ બોર્ડની ધોરણ-૧રની પરીક્ષામાં ૯૦ પર્સેન્ટાઇલ એટલે પ્રથમ ૧૦ ટકામાં આવતા અને રૂા. ૪.પ૦ લાખની મર્યાદામાં કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે કોર્સની અવધિ દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફીની પ૦ ટકા સહાય રૂ. ૫૦ હજારની મર્યાદામાં દર વર્ષે આપવામાં આવશે. આમ, ચાર વર્ષના અભ્યાસક્રમોમાં રાજ્ય સરકાર વિદ્યાર્થી દીઠ રૂ. બે લાખ સુધીની ફી સહાય આપશે.

ધો. ૧૦ અને ધો. ૧ર પાસ કરી પ્રથમ ૮૦ પર્સેન્ટા્ઇલમાં આવતા જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા ટેકનીકલ કોર્સિસ સીવીલ એન્જીનીયરીંગ, મીકેનીકલ એન્જીનીયરીંગ, ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ, કેમિકલ એન્જીનીયરીંગ, કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઇલેકટ્રોનિક્સ એન્જીનીયરીંગ, આઇ.ટી., મેટ્રોલોજી, ટેક્ષટાઇલ ટેકનોલોજી વગેરે પ્રકારના ડીપ્લોમા કોર્સિસમાં ગ્રાન્ટેડ કોલેજમાં તથા સેલ્ફ ફાયનાન્સમાં પ્રવેશ મેળવશે તેમને તેમની ચુકવવાની થતી ખરેખર ફીના પ૦ ટકા અથવા વર્ષના રૂ. ર૫ હજાર બેમાંથી જે ઓછું હશે તે ફી સહાય ચુકવવામાં આવશે. આમ ડીપ્લોમાના ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી દીઠ રૂ. ૭૫ હજાર સુધીની ફી સહાય રાજ્ય સરકાર આપશે.

બી.એ., બી.કોમ., બી.એસ.સી.,બી.એડ.ના ડીગ્રી કોર્સમાં કોર્સની અવધિ દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ફીની પ૦ ટકા સહાય રૂ. ૧૦ હજારની મર્યાદામાં દર વર્ષે કરવામાં આવશે. આમ, ત્રણ વર્ષના ડીગ્રી અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીદીઠ રૂ. ત્રીસ હજાર સુધીની મર્યાદામાં ફી સહાય સરકાર આપશે.

મેડીકલ, ડેન્ટલ, એન્જીફનીયરીંગની ઉચ્ચ શિક્ષણ આપતી સરકારી કોલેજોમાં અનામત વર્ગના વિદ્યાર્થીઓ ઓપન મેરીટમાં આવવાને કારણે ઓપન મેરીટની જેટલી સીટો ઓછી થાય અને તેમાં પ્રવેશ મેળવવાપાત્ર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટીટયુટમાં જવું પડે છે તેઓને એસએફઆઇ અને સરકારી કોલેજની ફીની તફાવતની રકમ રાજ્ય સરકાર આપશે. આ લાભ G M E R S અથવા રાજ્યની માન્યતા પ્રાપ્ત કોલેજમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને લાગુ પડશે.

રહેવા-જમવાની સહાય:

નિયત આવક મર્યાદા તેમજ બોર્ડની પર્સન્ટા્ઇલને લગતા ઉપર જણાવેલ ધારા-ધોરણમાં આવતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ મેડીકલ, ઇજનેરી, ડેન્ટલ, ફાર્મસી તથા ડીપ્લોમા અને પ્રોફેશનલ કોર્સિસ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં તથા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં કોલેજોમાં પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા હશે અને સરકારી છાત્રાલયમાં પ્રવેશ નહીં મળ્યો હોય તેમને વર્ષના ૧૦ મહિના માટે દર મહિને રૂ. ૧ર૦૦ની ઉચ્ચક રકમ રહેવા-જમવા માટેની સહાય તરીકે મળવાપાત્ર થશે.

ઉચ્ચ શિક્ષણને લગતી એસ.સી., એસ.ટી. અને બક્ષીપંચ માટે ચાલતી હયાત યોજનાઓનો લાભ રાજ્ય સરકારે ઠરાવેલ વાર્ષિક આવક મર્યાદામાં આવતા બિન અનામત વિદ્યાર્થીઓને પણ આપવામાં આવશે. જેમાં મેડીકલ, એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને પુસ્તક અને સાધન સહાય, વન ટાઇમ ગ્રાન્ટ તમામ વિદ્યાર્થીઓને મેડીકલ માટે રૂ. ૧૦,૦૦૦/-, એન્જીનીયરીંગ માટે રૂ. પ,૦૦૦/- અને ડિપ્લોમા માટે રૂ. ૩,૦૦૦/- મળવાપાત્ર થશે.

સરકારી કોલેજોમાં તમામ વર્ગો માટે વિવિધ પ્રવેશ ફોર્મ ફીનું સમાન ધોરણ રાખવામાં આવશે.

તેજસ્વી વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે રાજ્ય સરકારે જાહેર કરેલી આ ઉદારત્તમ સહાય રૂા. ૪.પ૦ લાખ કરતાં ઓછી કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા, રાજ્યમાં ચાલતા માન્યતા પ્રાપ્ત પાંચ (૧) ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, (ર) સી. બી. એસ. સી., (૩) આઇ. સી. એસ. ઇ., (૪) એન. આઇ. ઓ. એસ. અને (૫) આઇ. બી. બોર્ડની ધોરણ-૧રની પરીક્ષામાં ડીગ્રી માટે પર્સેન્ટાઇલના પ્રથમ ૧૦ ટકા અને ડીપ્લોમા અભ્યાસક્રમો માટે પર્સેન્ટાઇલના પ્રથમ ર૦ ટકામાં આવતા ૬૦ હજારથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે તેમજ ગુજરાતમાં બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને મળશે.

માધ્યમિક શિક્ષણ:

સરકારી અને ગ્રાન્ટેાડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને મફત પાઠય પુસ્તક કોઇપણ જાતની વાર્ષિક આવક મર્યાદા લાગુ પાડયા સિવાય આપવામાં આવશે.

પ્રાથમિક શિક્ષણ:

સરકારી પ્રાથમિક શાળા અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એસ.સી., એસ.ટી. અને બક્ષીપંચના વિદ્યાર્થીઓને મફત ગણવેશ, મફત પાઠયપુસ્તકો અને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે તે જ ધોરણે હવેથી બિન અનામત વર્ગના તમામ વિદ્યાર્થીઓને પણ મફત ગણવેશ, પાઠયપુસ્તકો અને મળવાપાત્ર શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આનો લાભ અંદાજે ૬ર લાખ જેટલા વિદ્યાર્થીઓને મળવાનો છે.

રાજ્ય સરકારમાં તમામ સંવર્ગમાં નોકરીઓની ભરતી માટે આ સરકારે મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી છે તેને પરિણામે અગાઉ ઉચ્ચ પ્રકારની ડીગ્રી કે લાયકાત મેળવી ચુકેલા યુવા વર્ગો પણ આ ભરતી પ્રક્રિયાનો લાભ લઇ શકે તે હેતુસર જી.પી.એસ.સી., ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી બોર્ડ તથા રાજ્ય સરકારમાં જે ભરતી પ્રક્રિયા થાય તેમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને બિન અનામત દરેક વર્ગની હાલની મહત્તમ વયમર્યાદામાં પાંચ વર્ષનો વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આગામી ભરતી પ્રક્રિયાથી તેનો લાભ મળવાપાત્ર થશે.

સ્વરોજગારી માટે સહાય:

આ સિવાય એન્જીનીયરીંગ અથવા ડિપ્લોમા એન્જીનીયરીંગની લાયકાત ધરાવતા યુવાનોને ડીગ્રી મળ્યાના પાંચ વર્ષના સમયમાં બેન્કમાંથી લોન લઇ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકાર મુદ્રા યોજના હેઠળ મેળવેલ રૂ. ૧૦ લાખ સુધીની બેન્ક લોન ઉપર ત્રણ વર્ષ સુધી દર વર્ષે પાંચ ટકાની મર્યાદામાં વ્યાજ સહાય પુરી પાડશે.

 પૂર્વ પરીક્ષા તાલીમ

ગુજરાતના યુવક-યુવતિઓ ગુજરાત સરકારની જાહેર સેવા આયોગ તેમજ ભારત સરકારની સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ., રેલ્વે, બેન્કીંગ વગેરેમાં મોટા પ્રમાણમાં ઉમેદવારી કરી શકે અને પસંદગી પામે તે માટે તેમને પૂર્વ પરીક્ષા તાલીમ કેન્દ્રો દ્વારા તાલીમ આપવાની વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ કરાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com