રોહિત શર્માની ODIમાં 200 સિક્સર, ભારત-વિન્ડીઝ શ્રેણીમાં બન્યા 10 રેકોર્ડ

0
776

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે વેસ્ટ ઇન્ડીઝને અંતિમ અને પાંચમી વન ડે મેચમાં 9 વિકેટે હરાવી શ્રેણી 3-1થી જીતી લીધી હતી. મેચમાં શાનદાર બોલિંગ કરનારા રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જ્યારે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચમાં અનેક રેકોર્ડ પણ બન્યા હતા. ભારતીય ઓપનર રોહિત શર્માએ વન ડેમાં 200 સિક્સર પૂર્ણ કરી હતી જ્યારે ધોની-વિરાટ કોહલીએ પણ રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતીય ઓપનર રોહિત શર્માએ વિન્ડીઝ વિરૂદ્ધ પાંચમી અને અંતિમ વન ડે મેચમાં 200 સિક્સર પૂર્ણ કરી હતી. રોહિત શર્માએ પોતાના બેટથી જેવી જ બીજી સિક્સર ફટકારી વન ડે ક્રિકેટમાં સિક્સરની ડબલ સેન્ચુરી પુરી થઇ ગઇ હતી. રોહિત શર્મા આગળ માત્ર 218 સિક્સર સાથે એમએસ ધોની છે.આ દરમિયાન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, તેને સૌથી ઓછી ઇનિંગમાં 200 સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિતે 193મી વન ડેની 187મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદીના નામે દર્જ હતો. આફ્રિદીએ 195 ઇનિંગમાં સિક્સરની બેવડી સદી ફટકારી હતી.
વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પાંચમી વન ડેમાં ધોનીએ ભૂવનેશ્વર કુમારના બોલ પર વિન્ડીઝના કીરોન પૅાવેલનો શાનદાર કેચ પકડ્યો હતો અને આ સાથે જ તેના નામે એક રેકોર્ડ દર્જ થઇ ગયો હતો.ધોની વન ડેમાં સૌથી વધુ શિકાર મામલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ વિકેટકીપર માર્ક બાઉચરથી આગળ નીકળી ગયો છે. ધોની અત્યાર સુધી કુલ 425 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવી ચુક્યો છે. માર્ક બાઉચરે 295 મેચમાં 424 ખેલાડીઓને પોતાના શિકાર બનાવ્યા હતા જ્યારે ધોનીએ 332 મેચ રમતા આ રેકોર્ડ તોડ્યો હતો.ધોની આગળ હવે માત્ર ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ (472) અને શ્રીલંકાનો કુમાર સંગાકારા (482) છે. આ બે દિગ્ગજ બાદ ધોની (425) ત્રીજા નંબર પર છે.
રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ 4000 રનની ભાગીદારી પૂર્ણ કરી હતી. આ પહેલા સૌરવ ગાંગુલી-સચિન, વિરેન્દ્ર સેહવાગ-સચિન, રાહુલ દ્રવિડ-સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ-સચિન તેંડુલકર, રોહિત શર્મા-વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.
વેસ્ટ ઇન્ડીઝની ટીમ પાંચમી વન ડે મેચમાં 104 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. વિન્ડીઝનો ભારત સામે આ સૌથી લોએસ્ટ સ્કોર છે. આ પહેલા વિન્ડીઝે પોર્ટ ઓફ સ્પેનમાં 1997માં ભારત સામે 121 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ વિન્ડીઝ વિરૂદ્ધ વન ડેમાં 10,000 રન પુરા કરી સચિનનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલી વિશ્વનો સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીના હવે વન ડેમાં 10232 રન થઇ ગયા છે.વિરાટ કોહલી વન ડેમાં 10 હજાર રન પુરા કરનાર પાંચમો ભારતીય ખેલાડી બન્યો હતો. વિરાટ કોહલીએ (205 ઇનિંગ્સ), સચિન તેંડુલકર (259 ઇનિંગ્સ), સૌરવ ગાંગુલી (263 ઇનિંગ્સ), એમએસ ધોની (273 ઇનિંગ્સ) અને રાહુલ દ્રવિડ (287) ઇનિંગ્સમાં 10 હજાર રન પુરા કર્યા હતા.
રોહિત શર્માએ પાંચમી વન ડે મેચમાં અણનમ 63 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્માના આ સાથે જ એક કેલેન્ડર વર્ષમાં વન ડેમાં 1000 રન પુરા થઇ ગયા છે. રોહિત શર્મા આ પહેલા 2013,2017માં પણ એક હજાર રન પુરા કરી ચુક્યો છે. રોહિત સૌથી વધુ કેલેન્ડર વર્ષમાં એક હજાર રન પુરા કરવા મામલે સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા, સૌરવ ગાંગુલી અને તિલકરત્ને દિલશાનની ક્લબમાં આવી ગયો છે.
ભારતે હવે આ વર્ષે કોઇ વન ડે મેચ રમવાની નથી. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ભારતીયમાં રોહિત શર્મા સૌથી આગળ છે. રોહિત શર્માએ આ વર્ષે 39 સિક્સર ફટકારી હતી. આ પહેલા રોહિત શર્મા સતત બીજા વર્ષે સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય ખેલાડી છે. 2017માં રોહિતે 46 સિક્સર ફટકારી હતી. જ્યારે 1998માં સચિન તેંડુલકર 40 સિક્સર સાથે ટોપ પર રહ્યો હતો. રોહિત શર્માની 2 વર્ષમાં 85 સિક્સર છે.ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પાંચ મેચની વન ડે સિરીઝમાં કુલ 71 સિક્સર લાગી હતી. જેમાં ભારતના રોહિત શર્માએ સૌથી વધુ 16 જ્યારે વેસ્ટ ઇન્ડીઝના હેટમેયરે 16 સિક્સર ફટકારી હતી.
વિન્ડીઝ સામે વન ડે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ 5 મેચમાં 453 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ સિરીઝ મામલે બીજા નંબરે પહોચી ગયો છે. કોહલી 15મી વખત મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. સચિન સૌથી વધુ 20 વખત મેન ઓફ ધ સિરીઝ બની ચુક્યો છે. જ્યારે જેક્સ કાલિસ પણ 15 વખત મેન ઓફ ધ સિરીઝ બન્યો છે.
વિરાટ કોહલીએ વન ડેમાં છઠ્ઠી વખત મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો હતો. વન ડેમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ સિરીઝ બનનારા ભારતીયોમાં સચિન તેંડુલકર સૌથી વધુ 14 વખત, યુવરાજ સિંહ 7 વખત, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી 6-6 વખત આ ખિતાબ પોતાના નામે કરી ચુક્યા છે.