શ્રમિક અન્નપૂર્ણા યોજનાની ગુણવત્તા અંગે પ્રશ્નાર્થ ઉભા થયા, શ્રમિક જમ્યા વીના જ નીકળી ગયો

0
356

વડોદરાઃ રાજ્ય સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત આપવામાં આવતા ભોજનમાં રાખવામાં આવતી નિષ્કાળજીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ન્યાય મંદિર કડીયા નાકા ખાતેના સ્ટોલ ઉપર દાળમાં પ્લાસ્ટિક પટ્ટીની દોરીનો ગુચ્છો નીકળતા જમવાનું લેવા માટે આવેલો શ્રમજીવી ચોંકી ઉઠ્યો હતો. અને તે જમ્યા વગર પરત જતો રહ્યો હતો. વડોદરા શહેરના ન્યાય મંદિર ખાતે આવેલા કડીયા નાકા ઉપર આજે સવારે એક શ્રમિક જમવા માટે આવ્યો હતો. રૂપિયા 10 આપીને તેણે જમવાનું લીધું હતું. જેમાં દાળમાંથી પ્લાસ્ટિકની પટ્ટીની દોરીનો ગુચ્છો નીકળ્યો હતો. જોકે, આ ઘટના પછી પણ અન્ય શ્રમિકો રૂપિયા 10 ચૂકવીને જમ્યા હતા. અને કેટલાક લોકો ટિફિન પણ લઇ ગયા હતા. દાળમાં નીકળેલી પ્લાસ્ટિકની પટ્ટીની દોરીની શ્રમિકો પર કોઇ અસર જોવા મળી ન હતી. પરંતુ શ્રમિકો માટે રસોઇ બનાવતા માણસોની નિષ્કાળજી સામે ચોક્કસ સવાલો ઉભા થયા છે. રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં મજૂરી કામ કરતો લોકો માટે 10 રૂપિયામાં ભોજન આપવાની શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરના ન્યાય મંદિર, પાણીગેટ-આજવા રોડ ત્રણ રસ્તા સહિત વિવિધ વિસ્તારોના કડીયા નાકા ઉપર સ્ટોલ ઉભા કરવામાં આવે છે. સરકાર દ્વારા ચાલતી આ યોજનામાં શ્રમિકોને 10 રૂપિયામાં દાળ-ભાત, શાક અને રોટલી આપવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં શ્રમિકો લાભ લઇ રહ્યા છે, ત્યારે શ્રમિકોને સારી ગુણવત્તાવાળુ ભોજન મળે તેવી આશા શ્રમિકો રાખી રહ્યા છે.