જ્યારે કોરોનાથી સંક્રમિત ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીને બચાવવા માટે ડોક્ટર રેમડેસિવીર ઈન્જેક્શન તાત્કાલિક મંગાવે છે તો સગા-સંબંધીઓને લાઈનમાં ઉભા રહેવાનો પણ સમય હોતો નથી, તેવામાં તેમને કાળા બજારીયાઓને પૈસા આપતા ભાઈ-બાપા કહીને દવા ખરીદવી પડી રહી છે. એક રેમડેસિવિર ઈન્જેક્શનના દસ-દસ હજાર રૂપિયા આપવા પડી રહ્યાંના અનેક દાખલાઓ સામે આવી રહ્યાં છે.
સ્વભાવિક છે કે, ગંભીર સ્થિતિમાં રહેલા કોરોના દર્દીઓને બચાવવા માટે પાંચથી છ રેમેડેસિવીર ઈન્જેક્શનની જરૂરીયાત ઉભી થતી હોય છે. તેવામાં સરકારી હોસ્પિટલો તરફથી સરકાર માત્ર એક ઇન્જેક્શન આપવામાં આવે છે. પ્રતિદિવસ લોકોને એક ઇન્જેક્શન માટે લોકોની ભીડમાં કલાકો સુધી ઉભું રહેવું પડે છે. તેવામાં તેમને પણ કોરોનાનો સંક્રમણ લાગવાનો ડર હોય છે.
તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી મીડિયા ચેનલોને એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યું આપી રહ્યાં છે. હોસ્પિટલમાં જઈને મૃતક દર્દીના સગા-સંબંધીઓ પાસે બેસી જાય છે. અરે સાહેબ… હાલમાં બેસવાનો કે ઈન્ટરવ્યું આપવાનો સમય નથી, સુવિધા સરળ રીતે મળી રહે તેની સુવિધા કરવાનો સમય છે.
ગુજરાતમાં અનેક લોકો હાલમાં પણ રેમડેસિવીર અને ઓક્સિજનની અછતના કારણે મરી રહ્યાં છે. લોકો હોસ્પિટલ બહાર બેડ વગર સારવાર ના મળવાના કારણે દમ તોડી રહ્યાં છે. પરંતુ રાજ્યની રૂપાણી સરકાર તેની સુવિધા કરવાની જગ્યાએ અવનવા તાયફા કરી રહી હોવાનું દેખાઇ રહ્યું છે. સુરત-અમદાવાદ-ભૂજ સહિત અનેક શહેરોમાં કબ્રસ્તાન અને શ્મશાન નાના પડી ગયા છે.
નિષ્ણાતોના મતે સરકારે હજું પણ ઝડપીમાં ઝડપી એવી સુવિધા ઉભી કરવી જોઈએ કે, કોરોનામાં જીવનરક્ષક ગણાતી દવાઓ જેવી કે રેમડેસિવિર અને અન્ય ઈન્જેક્શનો સરળતાથી દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોવી જોઈએ અને તે પણ પોતાની મૂળ કિંમતમાં મળવી જોઈએ. આવી દવાઓ ઉપર જીએસટી લેવાની જગ્યાએ તેને ટેક્સ ફ્રિ કરવી જોઈએ.
તો દરેક હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને દૂર કરવા માટે મક્કમ પગલા ભરવા જોઈએ. જો કે, પ્રાથમિક જરૂરિયાતો ઉભી કરવાની જગ્યાએ રૂપાણી સરકાર દુનિયાભરની વાતો કરી રહ્યાં છે. તો ગુજરાતમાં કોરોનાના કારણે મરતા લોકોના સાચા આંકડાઓ બહાર ના આપવાનો આરોપ પણ સરકાર પર લાગી રહ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે પણ કોરોનાના કારણે મરતા લોકોના સાચા આંકડાઓમાં પારદર્શકતા લાવવા માટે રૂપાણી સરકારને ફટકાર લગાવી છે.
રૂપાણી સરકારે યુદ્ધના ધોરણે ગુજરાતમાં કોરોના સામે રક્ષણ આપતી સુવિધાઓ ઉભી કરવી જોઈએ. જેથી ગુજરાતીઓના જીવ બચાવી શકાય.
હાલમાં કોરોનાની આ પરિસ્થિતિ જોતા અલગ અલગ ચેનલોને એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યું પાછળ સમય બગાડવાનો કેટલો યોગ્ય ગણાય…