વડોદરામાં મહિલા વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળનો વિરોધ

0
382

વડોદરાઃ મહિલા વકીલની દીકરીના પતિ દ્વારા વકીલ મંડળના પ્રમુખ અને મહિલા વકીલ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વકીલ મંડળ આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યું હતું. અને  કોર્ટના ગેટ બંધ કરી દીધો હતો. બાદમાં વકીલો રોડ ઉપર આવ્યા હતા અને પોલીસ તંત્ર સામે સુત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો હતો. શહેરના બરાનપુરામાં રહેતા મહિલા વકિલ હેમાબહેન જયશ્વાલની દીકરી જોલીએ અંકોડીયા ગામમાં રહેતા સંતોષ પરમાર સાથે પ્રેમલગ્ન થયા કર્યા હતા. તે બાદ સાસરીયાઓએ જોલીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જે અંગે મહિલા વકીલે જમાઇ સંતોષ સહિત તેના પરિવાર વિરૂધ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે સામે સંતોષ પરમારના પિતા લાલજીભાઇ પરમારે પુત્રના સાસુ હેમાબહેન જયશ્વાલ તેમજ વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ સામે લૂંટ, મારા મારીના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી.તાલુકા પોલીસ દ્વારા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ અને મહિલા વકીલ હેમાબહેન જયશ્વાલ સામે ખોટી રીતે ગુનો દાખલ કર્યો હોવાનો વકીલ મંડળે આરોપ મૂકી આજે હડતાળ ઉપર ઉતરી ગયા હતા. અને તાલુકા પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા સુત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો હતો. વકીલ મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, મારા અને મહિલા વકીલ સામે તાલુકા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ રદ કરવામાં આવે.