રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ, આજે 8 નવા કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કુલ 71 દર્દી, અત્યાર સુધીમાં 6ના મોત

0
129

અમદાવાદઃ  સુરત અને રાજકોટમાં સાંજે  કોરોનાના એક એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ રાજ્યમાં કોરોનાના 71 દર્દી થઈ ગયા છે.આ પહેલા મોડી રાત્રે ભાવનગરમાં 5 અને અમદાવાદમાં 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાને કારણે 6 લોકોના મોત થઈ ગયા છે અને સ્વસ્થ થતા 4 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે આજે  ભાવનગરના જેસમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આજે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકો હજુ પણ લોકડાઉનનું પાલન કરતા નથી. કેટલાક લોકો એક બે ટામેટા લઈને બહાર નીકળે છે. ખોટા બહાના કરનારનું વાહન જપ્ત થશે. કેટલાક નાગરિકો 100 અને 112 નંબર પર મદદ લઈ શકે. કોઇ ક્રિકેટ રમે છે, કોઇ ફરવા નીકળે છે. આવા લોકો સામે કર્યવાહી કરવામાં આવશે. પોલીસકર્મીઓને જણાવવાનું કે પોતાની ફરજ દરમિયાન મગજ શાંત રાખીને અને સંવેદનશીલ બનીને કામ કરે.

ગુજરાત રાજ્યમાં અપડેટ

રાજ્યમાં જરૂરીયાતમંદ વ્યકિતઓને 8.95 લાખ ફૂડપેકેટસ આપવામાં આવ્યા, જીવન આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ સરળતાએ નાગરિકોને મળી રહે તે માટે ફેરિયાઓ-છૂટક વેપારી-કર્મીઓને 1 લાખ 59 હજાર પાસ ઇસ્યુ કર્યાં મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ. 27 કરોડનું ભંડોળ કોરોના સામે લડવાના ફંડ-દાન સહાય પેટે આવ્યું છે. અમદાવાદ કલેક્ટરે બે જાહેરનામા બહાર પાડી કહ્યું કે મકાન ખાલી કરાવવા મકાન મલિક મજબૂર કે જબરજસ્તી નહિં કરી શકે, કન્સ્ટ્રકશન સાઇટમાં કામ કરતા મજૂરની રહેવા અને જમવાની વ્યવસ્થા કન્સ્ટ્રકશન સાઇટના માલિકની રહેશે. જાહેરનામાંનો ઉલ્લંઘન થશે તો માલિકો સામે કલમ 135 મુજબ કાર્યવાહી કરાશે. રાજ્યમાં બોર્ડની પેપર ચકાસણીનુ કામ અચોક્કસ મુદ્દત સુધી સ્થગિત કરવામાં આવ્યું, હિંમતનગરમાં લોક ડાઉન ને પગલે પોલીસ એક્શનમાં આવી, ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું, અમદાવાદ મનપાની અર્બન હેલ્થ સોસાયટીની કરાર આધારીત ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા, કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ જોવા મળ્યો, પોરબંદરમાં પોલીસે વીડિયો થકી લોકોને ઘરમા રહેવા સંદેશો આપ્યો અને સાવચેત કર્યા, પાટણમાં 5 દર્દીના રિપોર્ટ નેગેટિવ, અત્યારસુધીમાં કુલ 26 નેગેટિવ રિપોર્ટ આવ્યા, બાયડના ગાબટમાં લોકડાઉનનો ભંગ જોવા મળ્યો, દુકાનબહાર ભીડ એકઠી થઇ હતી, પાટણના ગામમાં ટ્રેક્ટરથી સેનાટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો, સુરતમાં કુલ 8 પોઝિટિવ થયા, આજથી પોઝિટીવ કેસના દર્દીના નામ-સરનામા જાહેર કરાશે, બનાસકાંઠાના લાખણી ગામમાં દુકાનદાર સામે ફરિયાદ નોંધાઈ છે. પશુ આહારની દુકાન બહાર ભીડ જામી હતી.

ગુજરાતમાં કુલ 71 પોઝિટિવ કેસ, 6ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 23 03
વડોદરા 10 00
રાજકોટ 09 00
ગાંધીનગર 09 00
સુરત 09 01
ભાવનગર 06 02
કચ્છ 01 00
ગીર-સોમનાથ 02 00
મહેસાણા 01 00
પોરબંદર 01 00
કુલ આંકડો 70 06

 

32ની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા, 33 લોકો લોકલ સંક્રમણના

સવારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ મીડિયાને જણાવ્યું કે 69માં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમી તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે મીડિયાને જણાવ્યું છેકે, ગુજરાતમાં ગઇકાલથી અત્યારસુધીમાં નવા છ કેસ નોંધાયા છે. જેમાંથી 5 કેસ ભાવનગરમાં અને 1 કેસ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદના 36 વર્ષીય પુરુષ અમેરિકાથી આવ્યા હતા તેમનો કેસ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં 5  પોઝિટિવ કેસ પુરુષના અને તેઓ લોકલ સંક્રમણમાં આવ્યા છે. ગુજરાતમાં 69 પોઝિટિવ કેસ છે. જેમાંથી 6 લોકોના મોત થયા છે, 63 લોકો હોસ્પિટલમાં હતા તેમાં બે દર્દી સાજા થઈ ગયા છે. બે લોકો હજી વેન્ટિલેટર પર છે. જ્યારે 59 સ્ટેબલ છે. ભાવનગરમાં જે મહિલાનું મોત નીપજ્યું છે તેમને મગજની બીમારી હતી. 69માં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમી તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યાં છે.

ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવ કેસ
ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમા ચાર કેસ શહેરના અને એક કેસ જેસર તાલુકાનો છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એકસાથે 5 પોઝિટિવ કેસ સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે.

અમદાવાદમાં ભેગા મળીને વાતો કરતી 8 મહિલાની ધરપકડ
આરોગ્ય વિભાગે રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા હોવાનું અને હોટસ્પોટ હોવાનું કહ્યું છે. લોકડાઉન છતાં લોકો ઘરની બહાર નીકળતા અમદાવાદ પોલીસ ડ્રોન અને પેટ્રોલિંગથી નજર રાખે છે. હવે મહિલાઓ પણ સાવધાન થઈ જજો. ફ્લેટના પાર્કિંગ કે સોસાયટીમાં ભેગા થઈ વાતો કરશો તો પણ પોલીસ ધરપકડ કરી લેશે. વસ્ત્રાપુર પોલીસે હવે શકમબા ટાવરમાં આવેલ પાર્કિંગમાં ભેગા મળી વાતો કરતી આઠ મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળતા વસ્ત્રાપુર પોલીસ ટાવરમાં પોહચી હતી. પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના 50થી વધુ ગુના નોંધાયા છે અને 200થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.