મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નનું કાર્ડ આવ્યું સામે, બોક્સમાં જોવા મળી મા સરસ્વતીની તસવીર

0
3068

મુંબઈઃ દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી ડિસેમ્બરમાં મંગેતર આનંદ પીરામલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ઈશા અને આનંદ 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં લગ્ન કરશે. આ જાહેરાત બંનેના પરિવારજનો કરી ચૂક્યા છે. લગ્નના અહેવાલો દરમિયાન ઈશા અંબાણીનું વેડિંગ કાર્ડ સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ વેડિંગ કાર્ડ બે ભાગમાં વહેંચાયેલું છે. જેમાં પ્રથમ બોક્સમાં ઈશા અને આનંદના પ્રારંભિક લેટર (IA)લખેલા છે. બે બોક્સમાંથી એક ક્રિમ કલરનું છે જ્યારે બીજા પર ફૂલોની ડિઝાઈન જોવા મળી રહી છે અને તે લાઈટ પિંક કલરનું છે. આ બોક્સમાં દેવી સરસ્વતીની તસવીર હોવાનું વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

– આ પહેલા અંબાણી અને પીરામલ પરિવારે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે,”અમને આ વાત જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન 12 ડિસેમ્બરના 2018ના રોજ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે (એન્ટિલિયામાં) મુંબઈમાં ભારતીય પરંપરા અનુસાર થશે.”
– લગ્ન પહેલા એક અઠવાડિયા સુધી અંબાણી અને પીરામલ પરિવાર પોતાના મિત્ર અને પરિવારજનોની ઉદયપુરમાં મેહમાની કરશે, જ્યાં તેઓ ફંકશનમાં સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓને સામેલ કરવા માટે કલાકારો તથા શિલ્પકારોનો સંપર્ક કરી રહ્યાં છે.
– ઉલ્લેખનીય છે કે, ઈશા અંબાણીની એન્ગેજમેન્ટ પાર્ટી ઈટાલીના લેક કોમોમાં થઈ હતી. જેમાં નિકટના પરિવારજનો ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા. 3 દિવસ સુધી ઈટાલીમાં ઈશા અંબાણીની સગાઈની પાર્ટી ચાલી હતી. જ્યાં પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, કરન જોહર, મનિષ મલ્હોત્રા, અનિલ કપૂર, સોનમ કપૂર અને જાહન્વી કપૂર સામેલ થયા હતા.
– સગાઈમાં મુકેશ અંબાણી ઈશા સાથે પાર્ટીમાં આવ્યા હતા, આ એન્ટ્રીનો વીડિયો ઘણો વાઈરલ થયો હતો. ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે થવાના છે જે પીરામલ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અજય પીરામલના દીકરા છે. આનંદે મે મહિનામાં ઈશાને મહાબલેશ્વર મંદિરમાં પ્રપોઝ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં અંબાણી પરિવારની દીકરી ઈશાના લગ્ન યોજાવાના છે. પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ઉદેપુરમાં યોજાશે. જેમાં મહેંદી, સંગીત સેરેમની યોજાશે. સંગીત સેરેમનીમાં અમેરિકન સિંગર બિયોન્સ પર્ફોમ કરે તેમ માનવામાં આવે છે. આટલું જ નહીં સંગીત સેરેમનીમાં પર્ફોમ કરવા માટે બિયોન્સને અંબાણી પરિવાર 15 કરોડ રૂપિયા આપશે, તેમ માનવામાં આવે છે. નોંધનીય છે કે પ્રાઈવેટ શોમાં બિયોન્સ 2 મિલિયન ડોલર્સ ચાર્જ કરે છે. પ્રિયંકા ચોપરા પણ સંગીત સેરેમનીમાં પર્ફોમ કરવાની ચર્ચા છે.