કૌન બનેગા કરોડપતિ’માં હોટસીટ પર આવ્યો ખેડૂત, રડતાં રડતાં જણાવી પોતાની વિતક કથા

0
1491

મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ’માં ઘણીવાર એવા સ્પર્ધકો આવે છે, જેની વાત સાંભળીને આંખો ભરાઈ જાય છે. આવો જ એક સ્પર્ધક બુધવાર (31 ઓક્ટોબર)ના રોજ આવ્યો હતો. આ એપિસોડમાં મહારાષ્ટ્રના હિંગોલીમાં રહેતો અનંતકુમાર હોટસીટ પર બેઠો હતો. અનંત કુમારે શો દરમિયાન પોતાના જીવનની એવી કડવી વાસ્તવિકતા રજૂ કરી કે જેને સાંભળીને માત્ર અમિતાભ બચ્ચન જ નહીં પરંતુ હાજર રહેલાં દર્શકોની આંખો ભીની થઈ ગઈ હતી.
બિગ બીએ શોમાં કહ્યું હતું કે આ એક એવા ક્ષેત્રમાંથી આવે છે, જ્યાં વરસાદ ઘણો જ ઓછો થાય છે અને તેમનું જીવન સરળ નથી. અનંતે પોતાની વાત કરતાં કહ્યું હતું કે તે જે ગામમાં ખેતી કરે છે, ત્યાં 24 કલાકમાંથી માત્ર 6 કલાક જ વીજળી આવે છે. જો વીજળી વધુ આવે તો તેઓ ખેતરમાં પાણી વધુ આપી શકે તેમ છે. વરસાદ થઈ જાય તો સારું નહીંતર કંઈ થઈ શકે તેમ હોતું નથી. પોતાના બાળકોને ભણાવવા પણ મુશ્કેલ બની જાય છે. અમિતાભે જ્યારે પૂછ્યું કે તમારા ગામમાં છેલ્લાં ત્રણ વર્ષથી વરસાદ થયો નથી અને વીજળી પણ ઓછી મળે છે તો તમે કેવી રીતે કામ કરો છો. આ સાંભળીને અનંતની આંખમાંથી આંસુ આવી જાય છે. તે રડતા રડતા કહે છે કે એમ જ ગુજરાન ચાલી જાય છે.
અમિતાભે જ્યારે અનંતને સવાલ કર્યો કે તેની કમાણી કેટલી, તો તેણે જવાબ આપ્યો હતો કે તે વર્ષમાં માત્ર 50 હજારની કમાણી કરી શકે છે. આ સાંભળીને માત્ર અમિતાભ જ નહીં પરંતુ ત્યાં હાજર રહેલાં તમામ દર્શકો પણ ચમકી જાય છે. ત્યારે બિગ બીએ સવાલ કર્યો હતો કે જો ક્યારેક પૈસા ના હોય તો તે શું કરે છે? તો આના પર અનંતની આંખોમાંથી આંસુ છલકાઈ ઉઠ્યાં હતાં અને તેના ગળે ડૂમો બાજી જાય છે. તે બસ એટલું જ કહે છે કે તેની પત્નીના ગળામાં એક વસ્તુ હોય છે, મંગળસૂત્ર…તેને ગિરવે મૂકીને બીજ અને ખાતર ખરીદે છે. આ સમયે પણ મંગળસૂત્ર ગિરવે મૂકેલું છે. અનંતની વાત સાંભળીને સેટ પર સન્નાટો છવાઈ જાય છે.
અમિતાભ આ તમામ વાતો સાંભળીને એક અપીલ કરે છે કે આપણાથી જેટલી પણ થઈ શકે તેટલી ખેડૂતોને મદદ કરવી જોઈએ. આ આપણાં અન્નદાતા છે. ઘણીવાર માત્ર 10 હજાર રૂપિયા માટે ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બની જાય છે. ખેડૂતોને મદદ કરો.
શો દરમિયાન અનંત કુમારે ત્રણ લાઈફ લાઈનનો ઉપયોગ કરીને 3.20 લાખ રૂપિયા જીત્યા છે. શોનો સમય પૂરો થતાં હવે અનંત બીજા દિવસે(ગુરૂવાર, 1 નવેમ્બર) આગળ રમશે. શો દરમિયાન અમિતાભ બચ્ચને અનંત કુમારની હિંમત વધારી હતી અને તેની પત્નીને કહ્યું હતું કે હવે તમારું તમામ દેવું ઉતરી જશે.