વડોદરામાં પુત્રીને બોલિવુડ તેમજ સીરિયલમાં કામ અપાવવાના બહાને બે શખ્સોએ મહિલા પાસેથી રૂા.3.52 લાખ પડાવી લીધા

0
250

વડોદરામાં પુત્રીને બોલિવુડ તેમજ સીરિયલમાં કામ અપાવવાના બહાને બે શખ્સોએ મહિલા પાસેથી રૂા.3.52 લાખ પડાવી લીધ!

ભૂમિ પાઠકે રણદિપ હુડા નામના હીરો સાથેની ફિલ્મમાં કામ કરવાના નામે રૂા.50,000 લીધા હતા!

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં સલૂનની દુકાન ધરાવતા માતા-પુત્રીને વિશ્વાસમાં લઇ દીકરીને બોલિવુડમાં અને સીરિયલમાં રોલ આપવાના બહાને અલગ-અલગ બહાને 3.52 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ગોરવા પોલીસે આ મામલે બે શખસો વિરુદ્ધ છેતરપિંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, બે શખસોએ સીરિયલમાં કામ કરવા માટે બોગસ લેટર પણ આપ્યો હતો.

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રેમલતાબેન શર્માએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સુભાનપુરા વિસ્તારમાં સલૂનની દુકાન ધરાવે છે. બે વર્ષ અગાઉ તેઓ 12 વર્ષની દીકરી સાથે કામ અર્થે નીકળ્યા હતા, ત્યારે સલૂનમાં કામ કરતી એક મહિલાએ જણાવ્યું હતું કે, તમારી દીકરી ખુબ સુંદર છે, જેથી તમે તેને ફિલ્મોમાં કામ કરાવો તો સારું તેમ જણાવીને તેણે મેકઅપ આર્ટિસ્ટ ભૂમિ પરસોત્તમભાઈ પાઠક (રહે, કલ્પતરુ કોમ્પ્લેક્સ, ગોત્રી રોડ, વડોદરા)નો સંપર્ક કરાવ્યો હતો.

સુભાનપુરાની મહિલાએ પોલીસને કહ્યું છે કે બે વર્ષ પહેલાં સુભાનપુરા કેફેમાં હું મારી પુત્રીને લઇ પેમેન્ટ આપવા ગઈ હતી તે દરમિયાન ત્યાં કામ કરતી મહિલાએ મારી પુત્રીના વખાણ કર્યા હતા અને ભૂમિ પાઠકનો સંપર્ક કરો તો તમારી પુત્રીને બોલિવૂડમાં સેટ કરી આપશે તેમ કહી ભૂમિનો નંબર આપ્યો હતો.

ભૂમિ પાઠકનો સંપર્ક કરતા તેણે આજવા રોડ ખાતે લક્ષ્મી સ્ટુડિયોમાં તા.25 ઓક્ટોબરે નાના બાળકો માટે ફ્રી કોન્ટેસ્ટનો કાર્યક્રમ હોવાનું કહી મારી પુત્રીને ત્યાં મોકલી હતી. જેમાં મારી પુત્રી વિજેતા બની હતી.

ભૂમિ પાઠકે મને સુબોધ કુમાર પાઠકની કલર્સ ચેનલ પર બેરિસ્ટર બાબુ સીરીયલ આવવાની હોય તેમાં રોલ આપવાના નામે મુંબઈ ખાતે મુલાકાત કરાવી હતી. ભૂમિના કહેવાથી સુબોધ કુમારને તે વખતે રૂા.૩ લાખ આપ્યા હતા. આ ઉપરાંત ભૂમિએ ફિલ્મ સિટીનું એક્ટર કાર્ડ બનાવવા રૂા. 10,000 તેમજ અમર ભાઈ નામના એક શખ્સને રૂા. 15,000 ચૂક્યા હતા.

ત્યાર બાદ ભૂમિ પાઠકે જણાવ્યું હતું કે, તમારી દીકરીને જે ફિલ્મ સાઇન કરી છે, તે ફિલ્મમાં હીરો રણદીપ હુડા છે, જેના બુકિંગ માટે વધુ 50 હજાર પડાવ્યા હતા. ત્યારબાદ હું મારી પુત્રી સાથે મુંબઈ રહી હતી ત્યારે ભૂમિ વડોદરા આવી ગઈ હતી અને બીજી બાજુ સુબોધ કુમારે મારી પાસે વધુ એક લાખની માંગણી કરતા મે ભૂમિને જાણ કરી હતી. પરંતુ ભૂમિએ કોઈ રિસ્પોન્સ આપ્યો ન હતો અને મારે કોઈ લેવાદેવા નહીં તેમ કહી દીધું હતું.

આમ, મુંબઈ જઇને કપડા બનાવવા માટે, સીરિયલ માટે, એક્ટર કાર્ડ માટે, ફોટોશૂટ માટે 77 હજાર રૂપિયાની ચૂકવણી કરી હતી. આમ ફરિયાદીએ ટુકડે-ટુકડે રૂપિયા 3,67,500 ચૂકવ્યા હતા. જે પૈકી 15 હજાર રૂપિયા પરત આપી બાકીના 3.52 લાખ પરત આપ્યા નહોતા. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. ગોરવા પોલીસે ફરિયાદના આધારે ભૂમિ પરસોતમ પાઠક રહે કલ્પતરુ કોમ્પલેક્ષ ગોત્રી રોડ વડોદરા અને સુબોધ કુમાર (હાલ રહે લોખંડવાલા કોમ્પલેક્સ મુંબઈ અને મૂળ રહે દરભંગા ગામ બિહાર) સામે ગુનો નોંધી તપાસ આદરી છે.