ગુજરાતમાં 2020માં 982 બનાવોમાં 1023 લોકોની હત્યા થઈ, લવ અફેરને કારણે 170 લોકોએ જીવ ગુમાવ્યો

0
490

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. ખાસ કરીને હત્યાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના રીપોર્ટમા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં 2020માં 982 હત્યાના બનાવો બન્યાં જેમાં 1023 લોકોની હત્યા થઈ હતી. રાજ્યમાં પ્રેમ પ્રકરણને કારણે 170 લોકોની હત્યા થઈ હોવાનું પણ રીપોર્ટમાં જણાવાયું છે. મેલી વિદ્યાના ચક્કરમાં 3, પાણીના વિવાદમાં 8 અને બાહ્ય સંબંધોના મામલે 61 લોકોની હત્યા થઈ છે.

18થી 45 વર્ષની વયના યુવાનોની હત્યાના વધુ બનાવ
રીપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે હત્યાના બનાવોમાં 18થી 45 વર્ષની વયના યુવાનોની હત્યાના વધુ બનાવ બન્યાં છે. આ ઉપરાંત 66 હત્યાના બનાવો એવા છે જેમાં હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. આ ઉપરાંત રાજ્યમાં બાળકોની હત્યાના આંકડા પણ ચોંકાવનારા હોવાનું રીપોર્ટમાં જાણવા મળ્યું છે. 2020માં 18 વર્ષની ઉંમરના 85 બાળકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં 40 નાના બાળકીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યમાં 18થી 45 વર્ષની ઉંમરના 738 લોકોની હત્યા થઈ જેમાં 161 મહિલાઓનો સમાવેશ થાય છે.

પ્રેમ પ્રકરણમાં એક વર્ષમાં 170 લોકોની હત્યા કરાઈ ( પ્રતિકાત્મક તસવીર)
પ્રેમ પ્રકરણમાં એક વર્ષમાં 170 લોકોની હત્યા કરાઈ ( પ્રતિકાત્મક તસવીર)

લવ અફેરમાં હત્યાના બનાવોમાં ગુજરાત બીજા નંબરે
પ્રેમ પ્રકરણને લીધે કરાયેલી હત્યામાં ઉત્તર પ્રદેશ 370 સાથે મોખરે, ગુજરાત-બિહાર 170 સાથે બીજા, મધ્ય પ્રદેશ 147 સાથે ત્રીજા, મહારાષ્ટ્ર 116સાથે ચોથા રાજસ્થાન 66 સાથે પાંચમાં સ્થાને છે. સમગ્ર દેશમાં પ્રેમપ્રકરણને લીધે ગત વર્ષે કુલ 1443 વ્યક્તિઓની હત્યા થઇ હતી. આ પૈકીની 12 ટકા માત્ર ગુજરાતમાંથી જ થઇ છે તેમ કહી શકાય. જોકે, 2019માં ઓનર કિલિંગને લીધે 5 લોકોની હત્યા થઇ હતી જ્યારે 2020માં ઓનર કિલિંગને લીધે એકપણ હત્યા થઇ નથી.

રાજ્યમાં નાણાની લેતી-દેતી મામલે 78ની હત્યા થઇ
પાણીને લીધે દેશના જે રાજ્યમાં સૌથી વધુ હત્યા થઇ હોય તેમાં બિહાર 39 સાથે મોખરે, ઉત્તર પ્રદેશ 32 સાથે બીજો, મહારાષ્ટ્ર-રાજસ્થાન 11 સાથે ત્રીજા, ગુજરાત 8 સાથે ચોથા સ્થાને છે. સમગ્ર દેશમાં એક વર્ષમાં કુલ 118 વ્યક્તિની પાણીને લીધે હત્યા થઇ છે. રાજ્યમાં નાણાની લેતી-દેતી મામલે 78ની હત્યા થઇ છે. આ મામલે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 180ની હત્યા થઇ છે. ગુજરાતમાં ગત વર્ષે નાણાને લીધે 80 વ્યક્તિની હત્યા થઇ હતી.ગુજરાતમાં વર્ષ 2019માં 41ના જ્યારે 2020માં 54 વ્યક્તિએ જમીન-મકાન મિલકતના વિખવાદમાં જીવ ગુમાવ્યો હતો. આ મામલે ઉત્તર પ્રદેશ 642 સાથે મોખરે છે.

ગુજરાતમાં એક વર્ષમાં કયા કારણથી વધારે હત્યા?

કારણ 2019 2020
અદાવત 152 167
દહેજ 3 1
મેલીવિદ્યા 3 3
જાતિવાદ 4 2
રાજકીય 1 1
લવ અફેર 147 170
લૂંટ વખતે 23 10
સિરિયલ કિલર 2 7