આદિવાસી રાઠવા સમાજના પ્રથમ ઓફિસર તરીકે ડો.નેહલ ભાવસિંહ રાઠવા

0
895

વડોદરા: સામાન્ય રીતે તબીબી અભ્યાસમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ M.B.B.S., M.S કે M.Dમાં પ્રવેશ મેળવી માનવજાતના આરોગ્યના ડોક્ટર બનવાનું વધુ પસંદ કરતાં હોય છે. પરંતુ, સમાજના આ ચીલાને છોડીને પાવીજેતપુર તાલુકાના ખોબલા જેવડા કોહીવાવ ગામની વતની નેહલ રાઠવા આદિવાસી સમાજના ઇતિહાસમાં પ્રથમ પશુઓની ડોક્ટર બની છે. અને પોતાના આદિવાસી વિસ્તારમાંજ પશુચિકીત્સક તરીકે ફરજ બજાવી રહી છે. અને અબોલ ગાય, ભેંસ, બકરી, ઘોડા, ગધેડા જેવા પશુઓની સારવાર કરી રહી છે. છેવાડાના કોહીવાવ ગામની આદિવાસી યુવતી ડો.નેહલ રાઠવાએ મેડિસીન ઉપરાંત પશુ સર્જરી અને રેડીઓલોજીની સારવાર માટે માસ્ટર ડીગ્રી મેળવી છે. આ કોર્ષમાં ડો.નેહલ રાઠવાએ B.V.sc માં ૭૫.૭૬ ટકા અને માસ્ટર ડીગ્રી M.V.sc માં ૭૯.૧ ટકા મેળવી ફર્સ્ટ કલાસ ફર્સ્ટ મેળવ્યો છે. હાલ ડો.નેહલ રાઠવા વેટરનરી ઓફિસર (પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨) તરીકે હાલ છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ખાતે ફરજ બજાવે છે.

વડોદરાના પાવીજેતપુર તાલુકાના કોહીવાવ ગામની યુવતી બની વેટરનરી ડોક્ટર

ડૉ.નેહલ રાઠવા જણાવ્યું હતું કે, તેમની કારકિર્દીની શરૂઆત નાની મોટી સર્જરીથી કરી છે. ઉપરાંત ગાય-ભેંસ-બકરીના ઘણાં વિયાણ કરાવ્યા છે. એ પણ યાદ રહે કે પશુ ચિકિત્સા સૌથી મહેનતનું કામ હોવા છતાં સમાજમાં બદનામી સામનો કરવો પડે છે. યુવતીઓ શરમ-સંકોચ અનુભવતી હોવાથી વેટરનરી કોર્ષ કરવાનું પસંદ કરતી નથી. પરંતુ ડો. નેહલ કહે છે કે, મને પશુઓ પ્રત્યે અત્યંત અનુકંપા છે. હું નાની હતી ત્યારથી જ બકરીના બચ્ચા , કુતરીના બચ્ચા , ગાયના બચ્ચા તેમજ ભેંસના બચ્ચા સાથે આત્મીયતા અનુભવતી હતી. અને તેમની સાથે રમતી હતી. ત્યારથી જ બધાથી કાંઈક અલગ કરવાની ભાવના જાગી અને અબોલ પશુઓની સેવા કરવાની ભાવના વધતા વેટનરી ડૉકટર બનવાનું સ્વપ્ન જોયું હતું. મારા પિતા ભાવસિંહ રાઠવા ગુજરાત સરકારમાં અધિકારી છે. ડો.નેહલે પ્રોફેસર બનવા માટે લેવામાં આવતી નેશનલ એલિજીબીલીટી ટેસ્ટ (NET) ની પરીક્ષા પણ પાસ કરી છે. હાલમાં છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ખાતે વેટરનરી ઓફિસર (પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨) તરીકે સેવારત ડો. નેહલ કહે છે કે, આ કોર્ષ કરનાર આદિવાસી રાઠવા સમાજની હું પ્રથમ મહિલા છું. જ્યારે પુરૂષ વર્ગમાં રાઠવા સમાજના ચારેક વ્યક્તિ વેટરનરી ડૉકટરનો કોર્ષ પૂરો કરીને વેટરનરી ઓફિસર તરીકે સેવા આપે છે. રાઠવા સમાજમાં પ્રથમ વેટરનરી ડૉકટરનો કોર્ષ કરનાર ડો.વિપીન રાઠવા બાદ મહિલાઓમાં પ્રથમ ડો. નેહલ રાઠવાનો સમાવેશ થાય છે.