ધોની વન ડે ટીમનો મહત્વનો ભાગ, તે ઇચ્છે છે કે પંતને ટી-20માં તક મળે: કોહલી

0
756

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે મહેન્દ્રસિંહ ધોની ભારતીય વન ડે ટીમનો મહત્વનો અને જરૂરી ભાગ છે, તેને કોઇ સિરીઝમાં પસંદ કરવામાં ના આવતા જરૂરતથી વધુ અટકળો ના લગાવવી જોઇએ. હું નિશ્ચિત રીતે કહી શકુ છું કે ટીમ સિલેક્શન પહેલા સિલેક્ટર્સ અને ધોની વચ્ચે વાતચીત થઇ હતી. જોકે, હું આ વાતચીતનો ભાગ નહતો. ધોની ઇચ્છે છે કે ટી-20 ફોર્મેટમાં રિષભ પંતને વધુમાં વધુ તક મળવી જોઇએ. મહત્વપૂર્ણ છે કે એમએસ ધોનીનો વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20માં સમાવેશ કરવામાં ના આવતા તેની ટી-20 કરિયરના અંતની અટકળો લાગવા લાગી હતી.

વિરાટ કોહલી પાંચમી વન ડેમાં વેસ્ટ ઇન્ડીઝને નવ વિકેટે હરાવ્યા બાદ અને સિરીઝ જીત્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિરાટને ધોનીના ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટી-20 સિરીઝ ટીમમાં પસંદગી વિશે પૂછવામાં આવ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ભારત 4 નવેમ્બરથી જ્યારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયામાં 21 નવેમ્બરથી ટી-20 સિરીઝ રમાશે. બન્ને સિરીઝ માટે વિકેટકીપર તરીકે રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવુ પ્રથમ વખત થયુ છે જ્યારે ધોનીની એક સાથે બે સિરીઝ માટે પસંદગી કરવામાં આવી નથી.

વિરાટ કોહલીએ કહ્યું, ‘આ મામલે સિલેક્ટર્સ ખુદ સ્થિતિ સ્પષ્ટ કરી ચુક્યા છે. અમારે તેનાથી વધુ અટકળો ના લગાવવી જોઇએ. ધોની ભારત માટે સતત વન ડે રમી રહ્યો છે અને આગળ પણ રમતો રહેશે.’ ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો, તે બાદથી તે વન ડે અને ટી-20 જ રમી રહ્યો છે.

ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં પસંદગી બાદ સ્પષ્ટ કર્યુ હતું કે આ ધોનીના ટી-20 કરિયરનો અંત માનવામાં નહી આવે. ટીમ મેનેજમેન્ટ વિકેટકીપિંગ માટે વર્તમાન વિકલ્પોને મજબૂત કરવા માંગે છે. આ કારણે છ ટી-20 માટે રિષભ પંત અને દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે.’