આહવા નર્સિંગ હોસ્ટેલના ડાઈનિંગ હોલમાં આગ 120 વિદ્યાર્થિનીઓએ દરવાજો તોડી જીવ બચાવ્યો

0
704

સાપુતારા : ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતેના સનસેટ પોઈન્ટ પર આવેલા જનરલ નર્સિંગ હોસ્પિટલના હોસ્ટેલમાં મંગળવારે રાત્રે એકાએક આગ ભભૂકી ઉઠતા ડાઈનિંગ હોલનું ફર્નિચર સહિત લાઈટ-પંખા બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. કરોડોના ખર્ચે નિર્માણ થયેલી નર્સિંગ કોલેજ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં ફાયર સેફટી, સાધનો પણ ન હોય હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ આગના પગલે પહેલા માળે દરવાજો તોડી જીવ બચાવવાની નોબત ઉભી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આહવાના સનસેટ પોઈન્ટ પર આવેલી જનરલ નર્સિંગ કોલેજમાં રાજ્યભરમાંથી 160 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ નર્સિંગનો અભ્યાસ કરે છે. મંગળવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં નર્સિંગ હોસ્ટેલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા ડાઈનિંગ હોલમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેથી આગ વધુ વિકરાળ બનતા ડાઈનિંગ હોલના ઉપલા માળે રહેતી 120 નર્સિંગની વિદ્યાર્થિનીઓને ગુંગળામણ થતા ચીચીયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નર્સિંગ હોસ્ટેલમાં એકમાત્ર મહિલા વોર્ડન હોય વિદ્યાર્થિનીઓને બચાવવા ભારે દોડધામ મચી જવા પામી હતી. આગ અને ધુમાડાના ગોટેગોટાથી ગભરાયેલી વિદ્યાર્થિનીઓ પહેલા માળેથી બારીમાંથી બહાર આવવાની ફરજ પડી હતી, કારણ કે ગર્લ્સ હોસ્ટેલના નીચેના ડાઈનિંગ હોલમાં લાગેલી આગની જ્વાળા દાદર પરથી હોસ્ટેલ તરફ આવવા લાગી હતી. જેથી હેમખેમ તમામ વિદ્યાર્થિનીઓ બોયઝ હોસ્ટેલ તરફના દાદર પાસેનો દરવાજાનું તાળુ તોડી બહાર આવવું પડ્યું હતું.અહીં નર્સિંગ સત્તાધિશોની ગંભીર બેદરકારી બહાર આવી હતી. જેમાં 160 વિદ્યાર્થિનીની સંખ્યા સામે એકમાત્ર વોર્ડન અને વોચમેનના સહારે ગાડુ ગબડાવાય રહ્યું હતું. ડાંગ એસડીએમ અને તેમની ટીમે આગની ઘટનાસ્થળની મુલાકાત લેતા આચાર્ય અને એએચએના નિવેદન મુજબ શોટસર્કિટ કહે છે ત્યારે એસડીએમ સી.એ.વસાવાએ પ્રશ્ન કર્યો કે મંગળવારે સાંજે 6થી 10 સુધી વીજળી ડુલ હતી તો હોસ્ટેલમાં ઈન્વર્ટર કે જનરેટર ન હોવા છતાં શોટસર્કિટ કેવી રીતે થાય તેવા સવાલ સાથે આગની ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. નર્સિંગ કોલેજ-હોસ્ટેલમાં લાગેલી આગની ઘટના અંગે નર્સિંગ કોલેજ સત્તાધિશોએ કલેકટર કે ડિઝાસ્ટર તંત્રને જાણ ન કરી જે અંગે બુધવારે બપોરે તંત્રને જાણ થઈ હતી. જેથી કલેકટર કચેરીના ડિઝાસ્ટર સહિતની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસની સૂચના આપી છે. નર્સિંગ કોલેજ અને હોસ્ટેલમાં ફાયરસેફટીના સાધનોનો અભાવ જણાય આવ્યો છે.