તમામ રાજ્યો સ્ટેમ્પ ડ્યુટીના દર ઘટાડે: કેન્દ્ર સરકારની સલાહ

0
281
નવી દિલ્હી : કોરોના લોકડાઉનથી રિયલ એસ્ટેટ ક્ષેત્રની બગડેલી હાલત સુધારવાના પ્રયાસરુપે મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં કરેલા ઘટાડાની નોંધ લઇને કેદ્ર સરકારે તમામ રાજ્યોને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની સલાહ આપી છે.
કેન્દ્ર સરકારના આવાસ તથા શહેરી બાબતોના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ વેબીનારમાં કહ્યું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ડીમાંડ વધારવા માટે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાનું પગલું પ્રોત્સાહક પ્રભાવ પાડી શકે તેમ છે. આવાસની કિંમત ઘટાડી શકાય તે માટે આવકવેરા કાયદામાં બદલાવ સહિતની અનેકવિધ માંગ બિલ્ડરોએ મૂકી છે તે દિશામાં સરકાર વિચારશે.

કોરોનાના આર્થિક સંકટને કારણે અટકી પડેલા પ્રોજેક્ટોને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકારે 25200 કરોડનું ફંડ બનાવ્યું છે. તેમાંથી અત્યાર સુધીમાં 9300 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સ્ટેમ્પ ડ્યુટી મામલે તેઓએ કહ્યું કે પ્રોપર્ટી ડીમાંડ વધી શકે તે માટે સ્ટેમ્પ ડ્યુટીના દર ઘટાડવા તમામ રાજ્યોને સલાહ આપવામાં આવી હતી. મહારાષ્ટ્રે તેનો અમલ કર્યો છે. હવે મહારાષ્ટ્રને અનુસરવા અન્ય તમામ રાજ્યોને ફરી વખત કહેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે 31મી ડીસેમ્બર સુધી મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં 3 ટકા તથા 31 માર્ચ 2021 સુધી બે ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. મહારાષ્ટ્રમાં શહેરી વિસ્તારોમાં હાલ સ્ટેમ્પ ડ્યુટીના દર પાંચ ટકા તથા ગ્રામ્ય ભાગોમાં 4 ટકા છે.

બિલ્ડરો કોઇ નુકસાન વિના આવાસના ભાવો ઘટાડી શકે તે માટે આવકવેરા કાયદામાં બદલાવ માટેના સૂચનો મોકલવાનું પણ તેઓએ સૂચવ્યું હતું. આ સુચનો યોગ્ય હશે તો નાણાં મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવશે.