બીજેપી અનુસાર- બંગાળમાં રેલી તો થવાની જ… ભલે 500 તો 500

0
535

દેશમાં કોરોનાની સ્થિતિ ભયાનક બની ગઈ છે. પ્રતિદિવસ અઢી લાખથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. હેલ્થ સિસ્ટમ સાથ આપી રહી ના હોવાથી લોકોના મોત થઈ રહ્યાં છે. આ વચ્ચે બીજેપી તરફથી જે.પી નડ્ડાએ નિવેદન આપ્યું છે કે, અમે બંગાળમાં 500 લોકોથી વધારેની રેલી કાઢીશું નહીં.

તે ઉપરાંત તેમને કહ્યું કે, આટલી જ સંખ્યામાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓની સભાઓ પણ થશે. આનો અર્થ તે થયો કે, દેશમાં ભલે ગમે તેટલા લોકો મરી રહ્યાં હોય તો, હોસ્પિટલોમાં બેડ ના હોય, ઓક્સિજન ના હોય, રેમડેસિવિર ના હોય, સ્ટાફ ના હોય, વેન્ટિલેન્ટર ના હોય, દરેક જાતની અસુવિધા ભલે હોય પરંતુ તેઓ ચૂંટણીને પ્રથમ મહત્વ આપશે.

કદાચ નડ્ડા એવું કહેવા માંગે છે કે, ગમે તેવી પરિસ્થિતિ ભલે ના આવે, ચૂંટણી તો જીતીને જ રહીશું. તેમાં પણ વડાપ્રધાન તો પ્રચાર કરવા આવશે જ અને તેની સાથે-સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ ચૂંટણીનો પ્રચાર કરશે જ. ભલે તેઓ અહીં રેમડેસિવિર અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં મદદ ના કરે પરંતુ ચૂંટણીમાં પ્રચાર કરવું મહત્વપૂર્ણ છે. મમતાને હરાવવી જ છે.

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં લોકો મરતા હોય તેમાં કેન્દ્રને શું? ત્યાં થોડી તેમની સરકાર છે. તે જવાબદારી તો ત્યાંના મુખ્યમંત્રીઓની છે, કેન્દ્રની જવાબદારી તો માત્રને માત્ર દેશમાં ચૂંટણીઓ જીતવાની છે. ગમે તે ભોગે ચૂંટણી જીતી જવાની.. ચૂંટણી જીતવા માટે લોકોની લાશોની ઉપરથી ઉડીને સ્પેશ્યલ રીતે બંગાળ પહોંચવાનું અને ચૂંટણી જીતવા પોતાની બધી જ શક્તિ લગાવી દેવાની, તેમાં થોડી પણ પાછી પાની કરવાની જ નહીં. ભલે કોરોના ગમે તેટલા લોકોને ભરખી જ ના જાય…

બીજેપીએ પોતે જ સ્પષ્ટતા કરી કે, રેલી તો થવાની, ભલે 500 તો 500, પણ રેલી તો થવાની જ… વડાપ્રધાન પણ આવવાના, તેઓ ભાષણ પણ આપવાના, કદાચ હાલમાં ભાષણ લખાઈ રહ્યાં હશે, ક્યાં શું બોલવું… તેથી જ બીજેપીએ દેશવાસીઓને માહિતી આપી દીધી છે કે, રેલી તો થવાની જ…

દેશવાસીઓને હવે ચિંતા કરવાની કદાચ જરૂરત નથી, કેમ કે તેઓ રેમડેસિવીર માટે લાઈનમાં ઉભા રહેશે તેટલી વારમાં સત્તાધારીઓ (જેમને દેશે જવાબદારી સોંપી છે, તેવા લોકો) એકાદ બે 500-500ની રેલીઓ પત્તાવીને આવી જશે, કેમ કે તેમને કોરોનાના કારણે તેમની મહત્વપૂર્ણ રેલીઓ નાની-નાની કરીને દેશ ઉપર ઉપકાર કર્યો છે.

દેશની જનતાએ તે વાત પણ યાદ રાખવી પડશે કે, લગ્ન પ્રસંગ અને અન્ય સારા-નરસા પ્રસંગમાં 50થી વધારે લોકોને એકઠા કરવા નહીં. કદાચ ભોળી જનતા 500ની મર્યાદા સમજી રહી હોય. પરંતુ એવું નથી, તમારે તો માત્ર 50 જ બોલાવવાના છે, 500 ભેગા કરવા હોય તો સાથે એકાદ બીજેપીના નેતાને પણ બોલાવવો ફરજિયાદ થઈ જાય છે. નહીંતર તમે તબલીગી જમાતની જેમ કોરોના ફેલાનારાઓના લિસ્ટમાં આવી શકો છો.. મસમોટા દંડ સહિત જેલની હવા પણ ખાવી પડી શકે છે.